જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ ઉપર રહેતો યુવક તેના મિત્ર સાથે એક્ટિવા પર રાજકોટના નયારા ગામમાં માતાજીના માંડવામાંથી જામનગર તરફ આવતા હતા ત્યારે વહેલીસવારના સમયે ફલ્લા ગામ નજીક એક્ટિવા આડે શ્વાન ઉતરતાં, બાઇક સ્લીપ થવાથી યુવકનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સરૂ સેકશનમાં ગાયત્રી મંદિર પાછળ માસ્તર સોસાયટીમાં રહેતા કિશનભાઇ સંજયભાઇ રાઠોડ (ઉ.વ.18) નામનો યુવક સોમવારે રાજકોટના નયારા ગામમાં યોજાયેલા માતાજીના માંડવામાંથી તેના મિત્ર મનસુખ નારણભાઇ સિતાપરા (ઉ.વ.19) સાથે જીજે-10-ડીકયુ-8216 નંબરના એક્ટિવા પર પરત જામનગર આવી રહ્યા હતા ત્યારે સોયલ ટોલ નાકાથી ફલ્લા ગામ તરફના માર્ગ પર શિવશકિત હોટલ પાસે પહોંચ્યા ત્યારે અચાનક કૂતરું બાઇક આડે ઉતર્યું હતું. જેથી કૂતરાને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ જતાં, બન્ને યુવકો રોડ પર પટકાયા હતા. જેમાં કિશનભાઇ રાઠોડ પીલોર સાથે અથડાતાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને મનસુખભાઇને પગમાં તથા શરીરે મુંઢ ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ઇજાગ્રસ્ત બન્ને યુવકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કિશનભાઇ રાઠોડ (ઉ.વ. 18) નામના યુવકનું મોત નિપજયાનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મનસુખભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


