ગુજરાત એટીએસની ટીમે હરિયાણામાં બંદૂકની દુકાનદારે મણીપુર અને નાગાલેન્ડમાંથી બોગસ હથિયારના લાયસન્સો પોતાના નામે બનાવી હથિયારોની ખરીદી કરતા હોવાની બાતમીના આધારે એટીએસ ગેંગના સાત શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા 49 ગુનેગારોની સંડોવણી ખુલ્લી હતી.
આ અંગેની વિગત મુજબ, ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીને મળેલી બાતમીના આધારે એટીએસની ટીમે ગુજરાતમાં ઘણાં માણસોને બોગસ હથિયાર, લાયસન્સો અને હથિયારો અપાવતા હોવાની જાણના આધારે એટીએસએ સેલા વેલા બોળીયા, વિશાલ મુકેશ પંડયા, અર્જુન લાખુ અલગોતર, ધૈર્ય હેમંત જરીવાલા, સદામ હુશેન અને બ્રિજેશ ઉર્ફે બીટુ મહેતા તથા મુકેશ રણછોડ બાંભા નામના સાત શખ્સોને દબોચી લઇ પુછપરછ હાથ ધરતા આ સાત શખ્સો હરિયાણાના નુહમાં બંદૂકના દૂકાનદાર સોકતઅલી, ફારુકઅલી, સોહમઅલી તથા આશિફ નામના શખ્સોને મોટી રકમ આપી તેમની પાસેથી મણીપુર અને નાગાલેન્ડ રાજ્યના બોગસ હથિયાર અને લાયસન્સો પોતાના નામે બનાવી તેમની પાસેથી હથિયારો ખરીદી લાવ્યા હતાં અને આ ગેંગે ગુજરાતમાં ઘણાં શખસોને બોગસ હથિયાર, લાયસન્સો અને હથિયાર અપાવ્યા હોવાનું ખુલ્યું હતું. જેના આધારે એટીએસએ સાત શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી પૂછપરછ આરંભી હતી.
પૂછપરછ દરમિયાન બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર 49 શખ્સોની સંડોવણી ખુલી હતી જે પૈકીના અનિલ ગૌરીશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ, દેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખા રઘુ ભરવાડ, મનિષ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મીર, રમેશ ભોજા ભરવાડ, રીશી ઉમેશ દેસાઈ, સમીર ભીખુ ગધેથરીયા, વિરાજ જોગા ભરવાડ, વિરમ સોડા ભરવાડ નામના 16 શખ્સોને એટીએસે ગુરૂવારે બપોરે ધરપકડ કરી તેમની પાસેથી આઠ રિવોલ્વર અને 310 રાઉન્ડ્ તથા બે પિસ્તોલ અને 88 રાઉન્ડ્ તથા પાંચ નંગ બારબોરની ગન અને 91 રાઉન્ડ્ મળી કુલ 15 હથિયાર સાથે 498 રાઉન્ડ કબ્જે કરી 16 શખ્સો વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ બહારના રાજ્યોમાંથી બોગસ હથિયારના લાયસન્સો થકી હથિયાર મેળવનાર કુલ 23 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગના પર્દાફાશમાં 108 શખ્સોએ શંકાસ્પદ રીતે હથિયાર મેળવ્યા હોય જેથી આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શકયતા છે.


