જામનગર શહેરમાં ચોમાસામાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ મહાનગર પાલિકા દ્વારા પ્રયાસો શરૂ થયા છે. ચોમાસા પહેલા શહેરની રંગમતિ નદીને તેના મુળ સ્વરૂપે લાવી પહોળી કરવાનો પ્લાન તૈયાર કર્યો છે. રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. જામ્યુકોની સ્થાયી સમિતિએ કાંપથી પૂરાઇ ગયેલી અને છીછરી બની ગયેલી રંગમતિ નદીને ઉંડી ઉતારવાનો નિર્ણય કર્યો છે.
સુજલામ-સુફલામ યોજના હેઠળ જુદી જુદી કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ કામગીરી ચોમાસા પહેલા કરાશે. જેથી ચોમાસા દરમિયાન નદીમાં પૂરનું વધારે પાણી સરળતાથી વહન થઈ શકે. દર ચોમાસે છીછરી બની ગયેલ નદીના કારણે પૂરના પાણી શહેરના કાંઠાળ વિસ્તારોમાં ફરી વળે છે જેને કારણે આ વિસ્તારમાં રહેતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે નદીને ઉંડી અને પહોળી બનાવવી આવશ્યક છે


