આજે નવકાર દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં નવકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. આખા વિશ્વમાં અશાંતિ છવાઇ રહી છે. ત્યારે શાંતિ માટે, વિશ્વ કલ્યાણ અર્થે તમામ જીવોને શાંતિ મળે તે માટે વિશ્વ નવકાર મહામંત્રના સમુહ જાપ સમગ્ર વિશ્વની સાથે જામનગર શહેરમાં જૈન-જૈનેતરો દ્વારા અનેક સ્થળોએ સવારે 8થી 9:30 સુધી દોઢ કલાક સુધી હજારો ભાઇઓ, બહેનો, બાળકો-બાલીકાઓ સાથે મળીને જાપ કરવામાં આવ્યા હતાં.
સમગ્ર વિશ્વમાં આજે સવારે 8થી 9:30 દરમિયાન લાખો લોકો દ્વારા આજે નવકાર દિવસની મનાવવામાં આવ્યો હતો. હાલની કપરી પરિસ્થિતિમાં આખા વિશ્વમાં અશાંતિ ફેલાઇ છે. ત્યારે શાંતિ થાય તે અર્થે તમામ જીવોને શાંતિ આપનાર મહામંત્ર નવકારના સમુહ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૈન સાધુ-સાધ્વી ઉપરાંત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતાં. ત્યારે જામનગર શહેરમાં પણ અનેક સ્થળોએ સમુહ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓશવાળ કોલોની, પેલેસ ઉપાશ્રયે સાધ્વીજી મ.સા.ની નિશ્રામાં, પટેલ કોલોની વિસ્તારમાં આવેલ શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ તપગચ્છ જ્ઞાતિ દ્વારા સંચાલિત આરાધના ભવનમાં બિરાજમાન પ.પૂ. સાધ્વીજી ભગવંત હેમરેખાશ્રીજી મ.સા.ના સુશિષ્યા પ.પૂ. સાધ્વીજી ભગવંત ધર્મરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં નવકાર જાપ કરાયા હતાં. નવકારજાપ પૂર્ણ થયા બાદ સાધ્વીજી ભગવંતે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં શાંતિ માટે, પોતાના આત્માના કલ્યાણ માટે દરેક લોકોએ દરરોજ જ્યારે સમય મળે ત્યારે ચાલુ કાળમાં મોબાઇલમાં ટાઇમ પાસ કરવાના બદલે નવકાર મહામંત્રના જાપ કરવા જોઇએ. સાધ્વીજીએ નવકારના ચમત્કારના ઉદાહરણો આપી ઉપસ્થિત લોકોને નવકારના જાપ કરવા આગ્રહ કર્યો હતો.
ગોંડલ સંપ્રદાયના જશ ઝવેર સમય પ્રભાગુરુનીના સુશિષ્ય પ.પૂ. બાળ બ્રહ્મચારી મંજુલાબાઈ સ્વામી, પ. પૂ. હંસાબાઈ સ્વામી, પ.પૂ. સિદ્ધીબાઈસ્વામી આદિ થાણા 3ની નિશ્રામાં કે.ડી. શેઠ ઉપાશ્રયમા આયંબિલ જ્ઞહશ માટે પધાર્યા છે તેઓની નિશ્રામાં આજરોજ નવકાર દિવસ નિમિતે નવકારમંત્રના જાપ સવારે 8થી 9:30 રાખવામાં આવ્યા હતા. જેમા 100થી વધારે લોકો જોડાયેલ હતા. દરરોજ વ્યાખ્યાન સવારે 9:30 થી 10:30 રાખવામાં આવ્યું છે. જેમાં લોકોએ જોડાવવા જણાવાયું હતું.
ઉપરાંત પારસધામ, લીમડાવાળા ઉપાશ્રય, તેજપ્રકાશ ઉપાશ્રય, પટેલ કોલોની શેરી નં. 4માં આવેલ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, દેવબાગ ઉપાશ્રય, પોપટ ધારશી ઉપાશ્રય, કે.ડી. શેઠ ઉપાશ્રય વગેરે સ્થળોએ હજારોની સંખ્યામાં લોકોએ સમુહ જાપ કરી વિશ્વના સર્વે જીવોને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.


