Friday, December 5, 2025
Homeવિડિઓખંભાળિયા, દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ - VIDEO

ખંભાળિયા, દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પ – VIDEO

મોટી સંખ્યામાં ઉમટ્યા રક્તદાતાઓ : કેમ્પ સાંજે 7 વાગ્યા સુધી ચાલશે

દ્વારકા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા જિલ્લામાં આજે જુદા જુદા બે સ્થળોએ મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા પ્રજાલક્ષી અભિગમ દાખવીને કરવામાં આવેલા આ આયોજનમાં જિલ્લા એલ.સી.બી. ટીમ સાથે જુદા જુદા પોલીસ વિભાગને સંલગ્ન રાખીને ખંભાળિયા અને દ્વારકામાં આજરોજ સવારથી મેગા રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોરબંદર રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે તેમજ દ્વારકામાં પોલીસ સ્ટેશન પાસે આવેલા સનાતન આશ્રમ ખાતે આજરોજ શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ હોંશભેર જોડાયા હતા.

- Advertisement -

ત્યારે ખંભાળિયા, ભાણવડ, સલાયા અને વાડીનાર સહિતના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારના લોકો ટાઉનહોલ ખાતે રક્તદાન કરવા પહોંચ્યા હતા. આ જ રીતે મીઠાપુર, ઓખા, કલ્યાણપુર અને બેટ દ્વારકાના સેવાભાવી લોકોએ સનાતન આશ્રમ – દ્વારકા ખાતે રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કેમ્પમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ સહિતના પોલીસ અધિકારીઓ ઉપરાંત સેવાભાવી લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. આ સમગ્ર આયોજન માટે જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ અને વિસ્મય માનસેતા, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ એલ.સી.બી. સ્ટાફ ઉપરાંત ખંભાળિયાના પી.આઈ. બી.જે. સરવૈયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આજરોજ સાંજે 7 વાગ્યા સુધી ચાલનારા રક્તદાનના આ સેવાકાર્યમાં સહભાગી થવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular