સમગ્ર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળાની ઋતુ હવે ધીમે ધીમે જામી રહી છે. એપ્રિલ માસની શરૂઆતની સાથે સાથે તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચવા લાગ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર – કચ્છમાં હિટવેવની આગાહી પણ હોય જામનગરમાં ગરમીથી લોકો અકળાઇ ઉઠયા હતાં. ઉનાળુ પાણીદાર ફ્રુટના મબલખ આવક વચ્ચે લોકો આકરા તાપનો પણ સામનો કરી રહ્યા છે.
જામનગરમાં છેલ્લાં પાંચ દિવસથી તાપમાન વધી રહ્યું છે. જયારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ ગરમી વધશે જ્યારે હિટવેવની પણ આગાહી છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર જામનગરમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી છે. જે ગઈકાલ કરતા પણ વધ્યું છે. જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી છે. હવામાં ભેજનું પ્રમાણ 85% જેટલું નોંધાયું છે. જયારે પવનની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
મહત્તમ તાપમાનનો પારો 39.5 એ પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. એક બાજુ તડકામાં મહિલાઓ 12 મહિનાનો વેફર કરી રહી છે ત્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે. લોકો જરૂર વગર બહાર નિકળવાનું ટાળે છે તો વળી ઠંડા ફ્રુટ તો ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ, ગોલાનું ચલણ વધી રહ્યું છે. એક બાજુ વેકેશનનો માહોલ તો બીજી તરફ ગરમી વધતા બાળકો અને મોટેરા રાત પડતા ગોલા ખાવા લાઈન લગાવી રહ્યા છે. આમ જોઇએ તો હજુ એપ્રિલ આખો અને જો આખો ગરમીનો સામનો કરવાનો બાકી છે ત્યારે ગરમીની શરૂઆતમાં જ જો સૂર્યદેવ આકરા મીજાજમાં જોવા મળતા હોય તો હજુ ગરમી પણ વધુ સહન કરવી પડશે જ્યારે આવનારા દિવસોમાં હિટવેવ અને લુ પણ વધવાની શકયતાઓ હવામાન વિભાગે દર્શાવી છે.


