ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતાં પરિવારની મહિલાએ આર્થિક સંકળામણથી કંટાળીને પાંચ સંતાનો પૈત્રી ચાર સંતાનોને સાથે લઇ કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પરિવારમાં સાસુની બીમારી અને પાંચ બાળકોના ઉછેરની ચિંતામાં જનેતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાના બનાવ બાદ એક સાથે પરિવારના પાંચ સભ્યોની અંતિમ યાત્રાએ લોકોના હૃદયને હચમચાવી દીધા હતાં.
હૈયુ હચમચાવી દેનારી ઘટનાની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતાં જીવાભાઈ ટોરીયા નામનો યુવાન તેની પત્ની અને પરિવાર સાથે જીવનનિર્વાણ કરતો હતો દરમિયાન યુવાનની પત્ની ભાનુબેન જીવાભાઈ ટોરીયા (ઉ.વ.32) નામની મહિલાએ ગઈકાલે ગુરૂવારે સવારના સમયે ઘરેથી છોકરાઓને લેવા જવાનું કહીને નિકળ્યા બાદ મહિલા તથા તેના સંતાનોનો પતો ન લાગતા પતિ સહિતના પરિવારજનોએ માતા અને ચાર સંતાનોની શોધખોળ આરંભી હતી. ત્યારે મહિલાનો કોઇ પતો ન લાગતા મહિલા ચાર સંતાનો સાથે સ્મશાન તરફ જતી હોવાનું જણાતા પરિવારના સભ્યોએ તપાસ હાથ ધરતા સ્મશાન નજીક કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાનું નજરે પડતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતાં અને ત્યારબાદ કૂવામાં શોધખોળ કરતા કૂવામાંથી ભાનુબેન જીવાભાઈ ટોરીયા (ઉ.વ.32) તથા આયુષ જીવાભાઈ ટોરીયા (ઉ.વ.10), આજુબેન જીવાભાઈ ટોરીયા (ઉ.વ.8), આનંદીબેન જીવાભાઈ ટોરીયા (ઉ.વ.6) અને ઋત્વિક જીવાભાઈ ટોરીયા (ઉ.વ.4) નામના પાંચ વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ગ્રામજનો હચમચી ઉઠયા હતા.
ત્યારબાદ ગામના કુવામાંથી માતા અને બે પુત્રો તથા બે પુત્રી સહિત એક સાથે પાંચ પાંચ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યાની જાણ પોલીસમાં કરવામાં આવી હતી.જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના નેજા હેઠળ પીઆઈ એચ.વી. રાઠોડ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી માતા અને બે પુત્રો તથા બે પુત્રી સહિત પાંચ વ્યક્તિઓના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી. સામૂહિક આપઘાતની ઘટનાની વિગતો મુજબ જીવાભાઈ ટોરીયાને 30 ઘેટા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ જીવાભાઈની માતાને બીમારી હોય અને બીમારીનો ખર્ચ તથા પાંચ-પાંચ સંતાનો અને પરિવારની જવાબદારી નિભાવવામાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ આર્થિક સંકળામણથી કંટાળીને ભાનુબેનએ તેના છ માસના સંતાનને ઘરે મૂકીને બહાર નિકળી બે દિકરા તથા બે દિકરી સહિતના ચાર સંતાનો સાથે ગામના કૂવામાં ઝંપલાવી સામૂહિક આપઘાત કર્યાનું મૃતકના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક સાથે પાંચ-પાંચ લોકોના મોતથી ગામ હિબકે ચડયું હતું.
ગઈકાલે બપોરના સમયે માતા એ બે દિકરા અને બે દિકરી સહિતના ચાર સંતાનો સાથે સામૂહિક આપઘાત કર્યાના બનાવ બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને નાના એવા ગામમાં એક સાથે પાંચ પાંચ લોકોની અંતિમયાત્રાએ હૈયુ હચમચાવી દીધું હતું. પાંચ પૈકીની માતા અને પુત્રને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ બાળકોની દફનવિધિ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ બાકી રહેલા છ માસના સંતાનની પરિસ્થિતિ માતા વગર કેવી રહેશે તે અત્યંત દયાજનક છે.


