જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન દારૂની 70 બોટલો સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના હિંગળાજ ચોકમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે 25 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. ધ્રોલ તાલુકાના વાગુદડ જવાના કાચા રસ્તા પરથી પોલીસે 11 નંગ ચપટા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં મહેબુબશા પીરની દરગાહ પાસે રહેતાં કિરીટસિંહ ઉર્ફે કિરીટ બહાદુરસિંહ ચુડાસમા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.27,135 ની કિંમતની 70 બોટલ દારૂ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા એલસીબીએ 27,635 ના મુદ્દામાલ સાથે કિરીટસિંહને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો જયેન્દ્રસિંહ ઉર્ફે જયલો ઢીંગલી પરમાર દ્વારા સપ્લાય કરાયો હોવાની કેફિયતના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના હિંગળાજ ચોક વિસ્તારમાં આશાપુરા સોસાયટીમાં આશા જ્યોત એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર રહેતા પાર્થચંદુલાલ મંગે નામના શખ્સના મકાનમાં સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.12500 ની કિંમતની 25 બોટલ દારૂ મળી આવતા પોલીસે નાશી ગયેલા પાર્થ મંગેની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, ધ્રોલ તાલુકાના લતીપરથી વાગુદડ જવાના કાચા માર્ગ પરથી પસાર થતા પોકે ઉર્ફે રાયસીંગ કાગલીયા વાસકલીયા નામના શ્રમિકને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1100 ની કિંમતના 11 નંગ ચપટા મળી આવતા પોલીસે ધરપકડ કરી હતી.


