જામનગર શહેરમાં રખઢતા ઢોરની સમસ્યામાંથી લોકોને રાહત આપવા કેટલ પોલીસી અમલ માટે જામ્યુકો દ્વારા કડક કાર્યવાહી કરવા મકકમ નિરધાર કર્યો છે. જામનગર શહેરમાં 15 દિવસમાં 100 ટન ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ 25 થી 23 જેટલા રખડતા ઢોર પણ જપ્ત કરાયા છે અને પશુ માલિકો દ્વારા અત્યાર સુધીમાં 750 થી 800 જેટલા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજુ પણ આ કામગીરી ચાલુ છે. પાછલા બે વર્ષમાં અંદાજે નવ હજાર ઢોર પકડવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા શહેરીજનોને વર્ષોથી સતાવે છે અને રખડતા ઢોરને કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાવાના બનાવો બનતા રહે છે. અનેક લોકોને ઈજાઓ પહોંચવાના તેમજ મૃત્યુ પણ થયા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા હવે રખડતા ઢોરની સમસ્યામાંથી શહેરીજનોને મુકત કરવા દ્રઢ નિશ્ર્ચય કર્યો હોય તેમ રખડતા ઢોર વિરૂધ્ધ કડક કાર્યવાહી શરૂ કરાઇ છે. મંગળવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં રખડતા ઢોરની સમસ્યા અંગે ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જામનગરમાં રસ્તે રઝળતા ઢોર અંગે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં માલધારીઓના ઘરે ઘરે જઈ અને જે-તે વિસ્તારોમાં જઈને પણ તાકીદ કરવામાં આવી હતી.
માલધારીઓ દ્વારા તેમના પશુઓના સ્થળાંતર માટે પાણીની વ્યવસ્થા, ખોરાક તથા રહેવા માટે છાયો સહિતની વ્યવસ્થા કરવા માટે સમય માંગ્યો હતો. જેને લઇ તેઓને સમય અપાયો હતો અને માલધારીઓ દ્વારા અત્યાર સુધીમાં 700 થી 800 પશુઓનું સ્થળાંતર કરી દેવાયું છે તેમજ છેલ્લાં 15 દિવસમાં તંત્ર દ્વારા 100 ટન જેટલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ 25 થી 30 જેટલા ઢોર પકડવામાં કરવામાં આવ્યા છે હજુ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. 2023-24 અને 2024-25ના બે વર્ષમાં અંદાજે 9000 જેટલા ઢોર પકડવામાં આવ્યા હોવાનું પણ તંત્રએ આ તકે જણાવ્યું હતું. આગામી દિવસોમાં શહેરના બાકી રહેતા વિસ્તારોમાં પણ કેટલ પોલીસીના કડક અમલ માટે કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જે પણ પશુપાલિકો પશુઓના લાયસન્સ માટે અરજી કરશે તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે.


