જામનગર શહેરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં પુત્રવધૂ રિસામણે ગઈ હોય. જેથી સમાધાન કરવા ગયેલા વૃદ્ધા અને તેના પુત્ર ઉપર ચાર શખ્સોએ લાકડાના બેટ વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગત મુજબ,લાલપુર ગામમાં આવેલી શિવનગર સોસાયટીમાં રહેતાં હફિઝાબેન કાસભાઈ ખાખી (ઉ.વ.61) નામના વૃધ્ધાના પુત્રની પત્ની માવતરે રિસામણે ગઈ હતી. જેથી વૃદ્ધા તેના પુત્ર સાથે જામનગરના મોરકંડા રોડ પર આવેલા સનસીટી 2 માં પુત્રવધૂના માવતરે સમાધાન કરવા ગયા હતાં. તે દરમિયાન વાતચીતમાં બોલાચાલી થતા સાજીદ ઈકબાલ ખાખી, સાહીલ ઈકબાલ ખાખી, કુલસુમબેન ઈકબાલ ખાખી, સબીના મુનીર ખાખી નામના ચાર શખ્સોએ એકસંપ કરી વૃદ્ધાને ફડાકા ઝીંકયા હતાં. જેથી વૃધ્ધ માતાને છોડાવવા વચ્ચે પડેલા પુત્ર ઉપર પણ બેટ વડે હુમલો કર્યો હતો.ત્યારબાદ વૃદ્ધાને પકડીને રૂમમાં લઇ જઇ લાકડાના બેટ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ચાર શખ્સો દ્વારા સમાધાન માટે આવેલા વૃદ્ધા અને તેના પુત્ર ઉપર લાકડાના બેટ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં ઘવાવયેલા માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.