જામનગર શહેરના રણજીતનગર જુના હુડકો વિસ્તારમાં ફ્રુટની રેંકડી લઇને જતા યુવાને મફતમાં ફ્રુટ આપવાની ના પાડતા શખ્સે પાઈપ વડે યુવાન ઉપર હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતાં ભરતભાઈ અશોકભાઈ ભકર નામનો સિંધી યુવાન રવિવારે સાંજના સમયે તેની ફ્રુટની રેંકી લઇને રણજીતનગર જૂના હુડકો વિસ્તારમાંથી પસાર થતો હતો ત્યારે હિતેશ ઉર્ફે સાંઈ જગદીશ દુલાણી નામના શખ્સે ભરત પાસે મફતમાં ફ્રુટની માંગણી કરી હતી. જેથી ભરતે મફતમાં ફ્રુટ આપવાની ના પાડતા હિતેશે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ રેંકડી ઉપર રાખેલી મોટી છત્રીનો પાઈપ કાઢી ભરત ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ પગમાં તથા સાથળમાં પાઈપ વડે માર મારી ઈજા કરી નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત ભરતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.કે. ખલીફા તથા સ્ટાફે ભરતના નિવેદનના આધારે હિતેશ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


