જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને ધો.10 માં અભ્યાસ કરતી તરૂણી ઉપર તેના જ ગામના કૌટુંબિક શખ્સે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતા તરૂણીએ મૃતબાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
દુષ્કર્મના બનાવની વિગત મુજબ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરૂણી ધો.10માં અભ્યાસ કરતી હતી અને તેના જ ગામમાં રહેતાં કૌટુંબિક એવા 25 વર્ષના નરાધમ શખ્સે તરૂણીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યુ હતું. નરાધમ દ્વારા આચરેલા દુષ્કર્મને કારણે તરૂણી ગર્ભવતી બની ગઈ હતી અને ત્યારબાદ તરૂણીને પ્રસૃતિની પીડા થવાથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. જેમાં બેડી મરીન પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર તરૂણીના માતાના નિવેદનના આધારે પાડોશમાં જ રહેતા નરાધમ શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી ત્યારે આરોપીએ જામનગર નજીક આવેલા જામ વણથલી રેલવે સ્ટેશને પહોંચી જઇ પસાર થતી ટે્રન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા નરાધમ શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે હોસ્પિટલે પહોંચી જઈ નરાધમ નાશી ન જાય તે માટે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.


