જામનગરમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 2.5 ડિગ્રીના વધારાક સાથે 37 ડિગ્રી સુધી પહોંચતા શહેરીજનો ગરમીથી પરેશાન થયા છે. જો કે, લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી હોવાને કારણે વહેલી સવારે તથા રાત્રિના ઠંડકનો અહેસાસ લોકો કરતાં હોય મિશ્ર ઋતુનો લોકો સામનો કરી રહયા છે.
એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે આકરા તાપનો લોકોને સામનો થઇ રહયો છે. એપ્રિલથી જૂન સુધીના માસ દરમયાન આકરી ગરમી પડવાની સંભાવના પણ બતાવાઇ રહી છે. ત્યારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 2.5 ડિગ્રી ઉંચકાયો છે. જામનગરમાં મહતમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે જેને પરિણામે દિવસભર શહેરીજનો આકરી ગરમીથી પરેશાન થઇ રહયા છે. તો બીજી તરફ લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું છે જેમાં પણ 24 કલાકમાં 2 ડિગ્રી જેવો વધારો થયો છે. વહેલી સવારના સમયે લોકો ઠંડકનો અહેસાસ કરી રહયા છે. જેને પરિણામે મિશ્ર ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં તાપમાનનું પ્રમાણ વધતાં શહેરીજનો અકળાઇ ઉઠયા છે. ગરમી વધતાં શેરડીનો રસ, લીંબુ સરબત, છાશ સહિતના ઠંડા પીણાની માંગમાં પણ વધારો થતો જઇ રહયો છે.
આગામી સમયમાં હજુ વધુ ગરમી પડવાની સંભાવના દેખાઇ રહી છે. ચૈત્ર માસના પ્રારંભ સાથે તાપમાનનો પારો પણ વધી રહયો છે. ત્યારે હજુ ઉનાળો અને સૂર્યનારાયણના આકરા મિજાજનો શહેરીજનોએ સામનો કરવો પડી શકે છે. સૂર્યનારાયણના આકરા મિજાજથી બપોરના સમયે શહેરીજનો બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહયા છે.


