જામનગર તાલુકાના સરમત ગામના પાટીયા પાસે રહેતો યુવાન તેની પત્નીને મસાલો ખાઇ આવું તેમ કહી રસ્તો ક્રોસ કરવા જતો હતો ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા બાઈક ચાલકે યુવાનને હડફેટે લઇ ઠોકરે ચડાવતા ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ટીંબાફળીના વતની અને હાલ સરમત ગામના પાટીયા પાસે આવેલા સેરેનીટીવીલામાં રહેતા અજયભાઈ રમેશભાઈ બારૈયા નામનો યુવાન ગત તા.13 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં તેની પત્ની મનિષાબેન સાથે સેરેનીટીવીલાના ગેઈટ પાસે ઉભા હતાં તે દરમિયાન પતિ અજયે પત્નીને કહ્યું કે, ‘હું સામે આવેલી હોટલે મસાલો ખાતો આવું’ તેમ કહી રસ્તો ક્રોસ કરવા જતો હતો તે જ દરમિયાન જીજે-10-ડીએસ-2488 નંબરના ચાલક તેનું બાઈક પૂરપાટ બેફીકરાઇથી ચલાવી મસાલો ખાવા રોડ ક્રોસ કરી રહેલા અજયને હડફેટે લઇ ઠોકરે ચડાવતા રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં અજયને માથામાં તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ વાહનચાલક પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે એએસઆઈ સી ટી પરમાર તથા સ્ટાફે યુવાનની પત્નીના નિવેદનના આધારે આગળીન કાર્યવાહી હાથ ધરી હતી.


