જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ નજીક આવેલી પાનની દુકાનમાં બાળ મજૂર પાસે કામ કરાવતા હોવાની બાતમીના આધારે તપાસ દરમિયાન શ્રમ અધિકારીએ બાળકને મુકત કરાવી દુકાનના માલિક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે આવેલી પાનની દુકાનમાં બાળક પાસે મજૂરી કરાવતા હોવાની બાતમીના આધારે શ્રમ અધિકારી ડો. ડી.ડી. રામી તથા સ્ટાફે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં મુરલીધર પાન એન્ડ હોટલમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળક પાસે કામ કરવાતા હોવાનું ખુલતા શ્રમ અધિકારીએ બાળ મજૂરને મુકત કરાવી દુકાનના માલિક રામદે રણમલ સુવા વિરૂધ્ધ બાળમજૂરી એકટ હેઠળ ગુનો નોંધી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


