રાજ્યના પોલીસવડા દ્વારા રાજ્યમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની 100 કલાકમાં યાદી તૈયાર કરવા અને કડક કાર્યવાહી કરવાના આદેશને પગલે જામનગર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી અને તે દરમિયાન સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા સાધના કોલોની વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરના રહેણાંક મકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરતા દેશી દારૂની મહેફીલ માણતા બુટલેગર સહિતના છ શખ્સોને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યના તમામ શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનાઓ અને વારંવાર ગુના આચરતા અસામજિક તત્વો સામે રાજ્ય વ્યાપી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના પગલે રાજ્યમાં બેખોફ ફરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ વડાના આદેશ અનુસાર જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ સિટી એ ના પીઆઈ એન.એ.ચાવડા, હેકો. નરેન્દ્રસિંહ ઝાલા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસે સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટેલેગર હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા નામના શખ્સના ખાલી મકાને પોલીસે રેઈડ કરતા મકાનમાં દેશી દારૂની મહેફીલ ચાલતી હતી. પોલીસે મહેફીલ માણતા શકિતસિંહ ભિખુભા વાઢેર, રામદે વિરમ ઓડેદરા, હાર્દિક દિલીપ પરમાર, હસમુખ કરશન પરમાર, સુનિલ પ્રવિણ પંડયા, જયેશ શાંતિ ભદ્રા નામના છ શખ્સોને દબોચી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, કાલાવડ પીઆઈ એન.વી. આંબલિયા તથા સ્ટાફ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અલ્પેશ બકુલ રાતડિયા, ગૌતમ ઉર્ફે ગવો કાનજી સાગઠીયા, રમેશ બાબુ શુકલ, ગોપાલ રવજી શેખા, લતીફ ઓસમાણ સમા, મહમદહુશેન ઉર્ફે ભોલીયો સતાર ચગદા, હસન જમાલ સોરા, એઝાઝ ઉર્ફે બ્રેટલી ઓસમાણ સમા, યાસીન હારુન પાડેલા, વિશ્ર્વરાજસિંહ કનકસિંહ ચૌહાણ, ગફાર મુસા સમા, કેતન ઉર્ફે પેટલો વાલજી વૈષ્ણવ, ધર્મેન્દ્રસિંહ આલુભા જાડેજા, સંજયસિંહ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીકા જાડેજા, અખતર યુસુફ સુમરા, અકબખા અલીખા પઠાણ અને હાલ જામનગર જેલમાં રહેલા બોદુ હસન પટણી, અયાન ઈકબાલ પંજા સહિતના 18 શખ્સોના ઘરે ચેકિંગ કાર્યવાહીમાં કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ મળી ન હતી.


