જામનગર શહેરમાં બાયની વાડી પાસેના વિસ્તારમાં રહેતાં યુવાનની પત્નીને શખ્સ સાથે પ્રેમ સંબંધ થઈ જતાં યુવાને પત્નીને છુટાછેડા આપી દીધા હોવા છતાં શખ્સ અવાર-નવાર યુવાનના ઘરે આવી પરેશાન કરતો હતો દરમિયાન બે શખ્સોએ યુવાનના ઘરનો દરવાજો તોડી માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બાયની વાડી પાસે ચુનાના ભઠ્ઠા નજીક આવેલા આંબેડકરવાસમાં રહેતાં હરીશભાઈ ભટ્ટી નામના મજૂરી કામ કરતા યુવાનની પત્ની વિરુબેનને શાહનવાઝ ઉર્ફે સાનુડો સલીમ ખીરા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમસંબંધની જાણ મહિલાના પતિને થઈ જતાં પત્નીને છૂટાછેડા આપી દીધા હતાં. તેમ છતાં શાહનવાઝ અવાર-નવાર હરીશને ઘરે આવીને હેરાન પરેશાન કરતો હતો દરમિયાન ગત તા.14 ના મધ્યરાત્રિના સમયે શાહનવાઝ તથા રાણા દેવશી સોલંકી નામના બે શખ્સોએ હરીશના ઘરે આવી ઘરનો દરવાજો તોડી નાખી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ઉપરાંત જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફે હરીશના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


