જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર રહેતા વેપારી યુવાનને દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા કારખાનામાંથી અજાણ્યા તસ્કરોએ મેઈન સ્વીચ બંધ કરી દઇ શટરનો લોક તોડી ઓફિસમાં રહેલા ટેલબના ખાનામાંથી પાંચ લાખની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગરમાં શરૂ સેકશન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કેલ્વિન મશીન ટુલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઇ ભરતભાઇ મકવાણાએ પંચકોશી-બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાના બંધ રહેલા કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઇ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂા. પાંચ લાખની રકમની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યાનુસાર તસ્કરો કોઇ જાણભેદુ હોવાનું અને તેઓએ સૌપ્રથમ કારખાનાની અંદર પ્રવેશતાની સાથે જ મેઇન સ્વિચ ઓફ કરી દીધી હોવાથી લાઇટ બંધ થઇ જતાં અંધારું થયું હતું. ઉપરાંત સીસીટીવી કેમેરાઓ પણ બંધ થયા હતાં. જેના કારણે તસ્કરની ઓળખ મળી શકે તેમ ન હોવાથી તસ્કરોએ સીસીટીવી બંધ કરવાનો પ્લાન કરીને ત્યારબાદ અંદરથી ચોરી કરી હોવાનું અનુમાન લગાવાયું હતું. પોલીસે આજુબાજુના કારખાનાના સીસીટીવી કેમેરા વગેરે તપાસ્યા હતા અને તેના આધારે એક શકમંદને ઉઠાવી લીધો છે. તથા પૂછપરછ હાથ ધરી છે.


