રાષ્ટ્રની સુરક્ષા માટે જેમ જવાનો દિવસ કે રાત, ઠંડી કે ગરમી સહિત કઠિનથી કઠિન પરિસ્થિતિમાં ખડે પગે રહેતા હોય છે. તેમ પોલીસ વિભાગના જવાનો પણ નાગરિકોની સેવા માટે સતત હાજર રહેતા હોય છે. ત્યારે આવું જ એક ઉમદા ઉદાહરણ દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર પૂરું પાડ્યું છે.
આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય રીતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાન દ્વારકાધીશ સંગ હોળી મનાવવા આવી રહ્યા હોય છે. ત્યારે ખંભાળિયા નજીકના આરાધના ધામ ખાતે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.
પદયાત્રીઓના સંઘમાં પુણ્યનું ભાથુ બાંધવા આવેલ જોશનાબેન તથા સાગર ઉપાધ્યાયે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પદયાત્રીઓ માટે રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેના માટે હું પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરાધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા – નાસ્તો, ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. આ સાથે વયોવૃધ્ધ પદયાત્રીઓની આંખની તપાસ કરી ત્વરિત ચશ્મા સહિત દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત પદયાત્રીઓની સલામતી ધ્યાને લઈ “જય દ્વારકાધીશ” સૂત્રના સ્ટીકરો તેમજ રેડિયમ રિફ્લેક્ટર બેગ પર લગાડવામાં આવી છે. માત્ર એટલું જ નહિ કોઈ પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે ખરા અર્થમાં માનવ સેવાનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.


