હાલારની પાંચ નગરપાલિકાઓના પ્રમુખ સહિતના હોદેદારોની ગઇકાલે નિમણુંક કરવામાં આવી છે. જેમાં કાલાવડ, જામજોધપુર, દ્વારકા, ભાણવડ એમ ચાર નગરપાલિકાઓમાં ભાજપાના અને એક નગરપાલિકા સલાયામાં કોંગ્રેસના શાસનના હોદેદારોની વરણી થઇ છે.

જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં મત ગણતરી પ્રક્રિયા સંપન્ન થયા બાદ જામનગર જિલ્લાની કાલાવડ તથા જામજોધપુર નગરપાલિકા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા, ભાણવડ તથા સલાયા નગરપાલિકાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા પણ સંપન્ન થઇ હતી. જેમાં કાલાવડ, જામજોધપુર, દ્વારકા, ભાણવડમાં ભાજપાનો ભવ્ય વિજય થયો હતો. જયારે સલાયામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. આ પાંચેય નગરપાલિકાઓમાં હોદેદારોની વરણી માટેની પ્રક્રિયા ગઇકાલે હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક કચેરીઓમાં યોજાયેલી બેઠકોમાં નવા સુકાનીઓની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જામનગર જિલ્લાની જામજોધપુર નગરપાલિકામાં પમુખપદ ઓબીસી મહિલા અનામત હોય પ્રમુખ તરીકે કંચનબેન રમેશગીરી ગોસ્વામી તથા ઉપપ્રમુખ પદે દિલીપકુમાર રમણીકભાઇ જાવિયાની વરણી કરવામાં આવી હતી. આ વરણીને સૌ સંગઠનના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
આ ઉપરાંત જામનગર જિલ્લાની કાલાવડ નગરપાલિકામાં પણ ભાજપાએ વિજય મેળવ્યો હોય અહીં પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલ્લભાઇ રાખોલિયા તથા ઉપપ્રમુખ પદે દયાબેન રમેશભાઇ ઝાપડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આમ કાલાવડ નગરપાલિકાના પ્રમુખ, ઉપપમુખ બન્ને હોેદેદારો તરીકે મહિલાની વરણી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા નગરપાલિકાની તમામ સીટો કબ્જે કરી ભાજપના તમામ સભ્યો ચૂંટાયા છે. જેના હોેદેદારોની વરણી માટે ગઇકાલે પ્રકિયા હાથ ધરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે કોમલબેન પ્રકાશભાઇ ડાભી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ કરજણભા માણેક અને કારોબારી ચેરમેન તરીકે પરેશભાઇ ઝાખરિયાની વરણી કરવામાં આવી છે.
દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીએ 24માંથી 21 બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતિ મેળવી છે. ત્યારે ગઇકાલે ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રિયેશભાઇ અનડકટની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. જયારે ઉપપ્રમુખ તરીકે જીગ્નાબેન જોષી તથા કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઇ રાઠોડની વરણી કરવામાં આવી હતી. સમર્થકો તથા કાર્યકરોએ ખુશીની લહેર સાથે વિકાસની ગતિ અવિરત રહે તેવી નવનિયુકત હોદેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે બહુમતિ મેળવી છે. ત્યારે ગઇકાલે પ્રાંત અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં હોેદેદારોની ચૂંટણી પ્રકિયા યોજાઇ હતી. જેમાં પ્રમુખપદ મહિલા અનામત હોય સર્વાનુમતે પ્રમુખ તરીકે કોંગ્રેસના ઝુલેખાબેન અબ્બાસ ભાયા તથા ઉપપ્રમુખ તરીકે સાલેમામદ જુસબ ભગાડની વરણી કરવામાં આવી હતી. હોદેદારોને કોંગ્રેસના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.