કાલાવડ ગામમાંથી પસાર થતા કારચલકે આગળ ચાલીને જતા વ્યક્તિ માટે કારનું હોર્ન મારતા ગામના એક શખ્સે કારચાલક યુવાનને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી ધારીયા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. સામાપક્ષે યુવાન દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ હોર્ન મારવાની બાબતે બોલાચલી કરી લાકડી-પાઈપ વડે આડેધડ હુમલો કર્યાની વળતી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતા વિશાલ રામજી સાગઠીયા નામના યુવાનનો કાકાનો દિકરો હિરેનભાઈ ખીમજીભાઈ તેની નવી સ્વીફટ કાર લઇને તેના ભાઈ-ભાભી સાથે ગામમાં આટો મારવા નિકળ્યો હતો ત્યારે વિશાલનો ભાઈ હિતેન ચાલીને જતો હોય જેથી હિરેનભાઈએ કારનું હોર્ન માારતા ત્યાં રહેલા સંજયસિંહ ઝીકા જાડેજા નામના શખ્સે હિરેનભાઈની કાર ઉભી રખાવી ગાડીનો હોર્ન કેમ માર્યો ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી જેથી હિરેને ગાળો બોલવાની ના પાડતા સંજયસિંહે ઉશ્કેરાઈને હિરેનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો કાઢી હતી. ત્યારબાદ હિરેન જતો રહ્યો હતો અને બાદમાં સંજયસિંહ વિશાલભાઈના ઘર પાસે આવી જાતિ પ્રત્યે અપમાનિત કરી જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો જેથી વિશાલભાઈ બહાર આવતા સંજયસિંહએ ધારીયા વડે હુમલો કર્યો હતો. અને હિરેનને કહ્યું હતું કે, ગામમાં નિકળશ ત્યારે હવે હોર્ન માર્યો તો જીવતો નહીં મૂકું પતાવી દઈશ તેવી ધમકી આપી હતી.
સામાપક્ષે સંજયસિંહ જાડેજા તેના જીજે-10-ડીઈ-0794 નંબરના એકટીવા પર કલ્યાણેશ્ર્વર મંદિર તરફ ટે્રકટરના ડ્રાઇવરને ડીઝલના પૈસા આપવા જતો હતો ત્યારે હિરેન ભુવાજી, ગવો સાગઠીયા, હમીર સાગઠીયા અને ચંદુ સાગઠીયા નામના ચાર શખ્સોએ કારમાં આવતા હતાં ત્યારે એકટીવાને અડી જતા સંજયસિંહે કાર ધીમે ચલાવવાનું કહેતા ચારેય શખ્સોએ એકસંપ કરી લાકડી અને પાઈપ વડે આડેધડ હુમલો કર્યો હતો. જેમાં સંજયસિંહને ઈજા પહોંચી હતી. સામસામા કરાયેલા હુમલમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા વિશાલભાઈની ફરિયાદના આધાારે સંજયસિંહ વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી અને સામાપક્ષે સંજયસિંહની ફરિયાદના આધારો એએસઆઈ વી ડી ઝાપડીયા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.


