સગીર વયની યુવતી સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને અદાલત દ્વારા 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે તેમજ ભોગ બનનારને રૂા.1 લાખ વળતર પેટે ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીની 17 વર્ષ 6 માસની સગીર વયની દિકરીને આરોપી નારાયણ પરશુરામ મહારાજ (મૂળ જામકા- રાજસ્થાન) વાળા એ તા.19/2/19 ના આઠ માસ પહેલાં ભોગ બનનાર દરેડ કારખાનામાં કામે જતી હોય આરોપી પણ કામ કરવા આવતો હોય. ભોગ બનનારને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી મોબાઇલમાં વાત કરતો હતો અને મળવા બોલાવતો હતો આ દરમિયાન ભોગ બનનારને ઘરથી થોડે દૂર બાવળની ઝાળી પાસે બોલાવી લગ્નની લાલચે ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધી જતો રહ્યો હતો અને ફોનમાં અવાર-નવાર લગ્ન કરી લેશું તેમ કહેતો હતો. ત્યારબાદ તા.18/2/19 ના સવારના સમયે આરોપીએ ભોગ બનનારને ફોન કરીને આપણે લગ્ન કરી લેશું અમદાવાદ આવી જા, હું અમારા ગામથી અમદાવાદ આવું છું. અમદાવાદ બસ સ્ટેશનમાં ભેગા થઈ જશું. તેમ જણાવ્યું હતું.
જેથી તા.19/2/19 ના સવારના સમયે ભોગ બનનાર તેના ઘરેથી નિકળી અમદાવાદ ગઈ હતી. જ્યાંથી આરોપીને ભોગ બનનારને જામકા ગામે લઇ ગયો હતો જ્યાં વાડી વિસ્તારમાં લઇ જઇ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે તેના દાદીના ગામ લઇ જઇ અને ત્યાંથી તેના મામાના ઘરે ઓરંગાબાદ લઇ ગયો હતો જ્યાં ભોગ બનનાર 15 દિવસ રોકાઈ હતી. ત્યાં આરોપીએ ભોગ બનનારની ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી ત્યારબાદ આરોપીના ઘરે પરત આવતા ત્યાં પોલીસ આવી જતા ભોગ બનનાર અને આરોપીને જામનગર લાવ્યા હતાં. આ અંગે ફરિયાદીએ પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ સ્પે.કોર્ટમાં એમ. કે. ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે દસ્તાવેજી પુરાવાઓ તથા બંને પક્ષોની દલીલો સાંભળી હતી. પુરાવા તથા સરકારી વકીલની દલીલો ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી આઈપીસી કલમ 363 મુજબ ત્રણ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.2000 દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઈપીસી 366 મુજબ પાંચ વર્ષની સખ્ત કેદ તથા રૂા.2000 દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઈપીસી કલમ 376 (2) (4) મુજબ 10 વર્ષની સજા અને રૂા.5000 ના દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા અને દંડની રકમ ભોગ બનનારને ચૂકવી આપવા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા.1 લાખ વળતર પેટે ચૂકવવા સ્પે. કોર્ટના જર્જ એમ.કે. ભટ્ટએ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.


