ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈએ અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા માટે જાગૃત્ત નાગરિક પાસેથી રૂા.2 લાખની લાંચ લેતા જામનગર એસીબીની ટીમે રંગે હાથ દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દેશભરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર દ્વારા સમયાંતરે પગલાં લઇ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા પણ લાંચ લેતા અધિકારીઓ સામે કડક કાર્યવાહીના અસંખ્ય બનાવો દરરોજ પોલીસ દફતરે નોંધાતા હોય છે. તેમ છતાં લાંચ લેતા અધિકારીઓને કોઇપણ જાતનો ભય ન હોય તે રીતે બિંદાસ્ત લાંચ લેતા હોય છે. આવી જ એક વધુ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ એએસઆઈ અશોક બેચરભાઈ ચોૈધરી નામના પોલીસકર્મીએ જાગૃત્ત નાગરિક વિરૂધ્ધ આવેલી નાણાંકીય લેતીદેતીમાં ગેરરીતિની અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવા માટે બે લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી.
જેના આધારે રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પીઆઈ આર.એન. વિરાણી તથા સ્ટાફે બુધવારે છટકુ ગોઠવી ગાંધીનગર જિલ્લાના અડાલજમાં ક્ધટેનર બ્રિજ પાસે આવેલા અતિથી ધાબા પાસેના સર્વિસ રોડ પરથી જાહેરમાં બે લાખની લાંચ લેતા એએસઆઈ અશોક ચૌધરીને રંગે હાથ દબોચી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


