જામનગર શહેરમાં પોટરીવારી ગલ્લીમાં સામુ જોવાની નજીવી બાબતે ઉશ્કેરાઇને બે શખ્સોને યુવાન ઉપર છરીનો ઘા ઝીંકી ઢીકાપાટુનો માર મારી વચ્ચે બચાવવા પડેલા યુવાનને પણ લમધાર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સ્વામિનારાયણનગર પાસે સોનાપુરી વિસ્તારમાં રહેતો ભાવિનભાઈ રોહિતભાઈ પટણી નામનો યુવાન તેના મિત્ર સાથે બાઈક પર ઘરો જતો હતો તે દરમિયાન મંગળવારે સાંજે પોટરીવાલી ગલ્લીમાંથી પસાર થતો હતો ત્યારે બાજુમાંથી પસાર થતા બાઈકસવાર સામે જોવા જતા મોઈન ગામેતી અને અજાણ્યા સહિતના બે શખ્સોએ ભાવિનને આંતરીને તું મારી સામે કેમ જુએ છે ? તેમ કહી બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઇને છરીનો ઘા ઝીંકી દીધો હતો. તેમજ બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો તે દરમિયાન હર્નિશ જેઠવા યુવાનને બચાવવા વચ્ચે પડતા તેના ઉપર પણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ બી એલ ઝાલા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


