જામનગર શહેરના દિગ્વીજય પ્લોટના વિસ્તારમાં રહેતાં યુવાનના દારૂ પીવાની કુટેવના કારણે બીમારી સબબ બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં આશાપુરા માતાજીના મંદિર પાસે રહેતાં અને મજૂરી કામ કરતા જૈમિનભાઈ વિનુભાઇ ખીરસીયા (ઉ.વ.38) નામના યુવાનને દારૂ પીવાની કૂટેવ હોય જેના કારણે ફેફસા નબળા પડી ગયા હતાં. જેથી કોઇ બીમારીના કારણે ગત તા.24 ના રોજ તેના ઘરે બેશુદ્ધ થઈ જતાં યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ સાગર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


