જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્કમાં રહેતો પરિવાર પાંચ દિવસ માટે ગઢડા ગામે લગ્નમાં ગયો હતો તે દરમિયાન પાછળથી તસ્કરોએ મકાનને ટાર્ગેટ બનાવી તાળા તોડી મકાનમાંથી આશરે 18 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનોશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા દિવ્યમ પાર્કમાં રહેતાં પ્રફુલ્લભાઈ ચૌહાણ નામના યુવાનના ભાઈના લગ્ન હોવાથી ગત તા.16 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુ. સુધી ચૌહાણ પરિવાર ગઢડા ગામે લગ્ન પ્રસંગમાં રોકાવા ગયો હતો. તે દરમિયાન અજાણ્યા તસ્કરોએ ચૌહાણ પરિવારના મકાનને ટાર્ગેટ બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને જુદા જુદા રૂમના કબાટમાંથી અંદાજે 17 લાખની કિંમતના સોનાના દાગીના અને બિસ્કીટ તથા રૂા.1.15 લાખની રોકડ રકમ સહિત રૂા.18.15 લાખની માલમતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ લગ્નમાંથી પરત ફરેલા ચૌહાણ પરિવારે ઘરના તાળા તૂટેલા જોતા ચોરી થયાનું જણાતા ઘટના અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે ડીવાયએસપી આર બી દેવધા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને લાખોની માલમતાની ચોરીમાં ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.


