ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા બે યુવકો કપડાની ખરીદી કરવા માટે બાઈક પર ધ્રોલ જતા હતાં તે દરમિયાન સણોસરા ગામના પાટીય પાસે રવેચી હોટલ સામે પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફિકરાઈથી આવી રહેલા ટ્રકના ચાલકે બાઈકને હડફેટે લઇ ઠોકરે ચડાવતા ફંગોળાઈ ગયેલા યુવકો પૈકીના એક યુવકનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
ગમખ્વાર અકસ્માતના વધુ એક બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકના દેડકદડ ગામમાં રહેતાં પરેશભાઈ મનગભાઈ ઝીંઝુવાડિયા નામના ડ્રાઈવિંગ કરતા યુવાનનો પુત્ર પિયુષ ઝીંઝુવાડિયા (ઉ.વ.19) તથા તેનો પિતરાઈ અક્ષય નામના બંને યુવકો ગત તા.18 ના રોજ સવારના સમયે ધ્રોલ કપડા લેવા માટે તેના જીજે-10-ઈએ-1441 નંબરના બાઈક પર જતા હતાં તે દરમિયાન રાજકોટ – જામનગર ધોરીમાર્ગ પર સણોસરા ગામના પાટીયા પાસે રવેચી હોટલ સામેના રોડ પર પહોંચ્યા ત્યારે પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ટીએકસ-7709 નંબરના ટ્રકચાલકે બેફીકરાઈથી ચલાવી બાઈકને પાછળથી જોરદાર ઠોકર મારતા બાઈક પર સવાર બન્ને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બાઈકચાલક પિયુષ (ઉ.વ.19) નામના યુવકને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલા અક્ષયને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવરા માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પિયુષનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પરેશભાઈના એકના એક પુત્ર પિયુષનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવમાં પરેશભાઈના નિવેદનના આધારે હેકો ડી પી વઘોરા તથા સ્ટાફે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


