જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ અને તેના પુત્ર તથા ભાણેજ ઉપર ત્રણ શખ્સોએ બહાર બોલાવી છરી-પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ધરારનગર-1 માં ન્યુ ડેન્ટલ હોસ્પિટલની સામે કબીરનગરમાં રહેતા સલીમખાન લોદીન (ઉ.વ.51) નામના રીક્ષા ચલાવતા પ્રૌઢ ગત તા.17 ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં તેના ઘરે હતાં ત્યારે તેના જ વિસ્તારમાં રહેતાં જાવેદબાપુ સૈયદ, જુનેદ ડોઢીયા અને અહેમદ ડોઢીયા નામના ત્રણ શખ્સોએ ઘર પાસે આવીને પ્રૌઢને બહાર બોલાવ્યા હતાં. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ધારીયા, છરી અને પાઈપ વડે પ્રૌઢ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. દરમિયાન પ્રૌઢનો ભાણેજ જાકીર સોલંકી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. અને પ્રૌઢના પુત્ર સરફરાજ ઉપર પાઈપ વડે હુમલો કરી ત્રણેય વ્યક્તિઓને ઈજા પહોંચાડી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રૌઢને તેનો પુત્ર તથા ભાણેજ ઘરમાં લઇ જતાં હતાં ત્યારે જાવેદ બાપુ એ જાકીર ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. અને પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
હુમલામાં ઘવાયેલા ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


