જોડિયા તાલુકાના મોરાણા ગામના પાટીયા નજીકથી પસાર થતા દ્વારકા જઈ રહેલ ત્રણ પદયાત્રીઓને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રકચાલકને જોડિયા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના વતની મીતાબેન અરજણભાઈ બકુતરીયા (ઉ.વ.23) નામની યુવતી તથા તેના ગામના અને કુટુંબીજનો સહિત 12 મહિલાઓ તેના વતનથી પગપાળા દેવભુમિ દ્વારકાના દર્શનાર્થે જતા હતાં તે દરમિયાન સોમવારે વહેલીસવારના સાડા ચાર વાગ્યાના અરસામાં જોડિયા તાલુકાના તારાણા ગામ થી મોરાણા ગામના પાટીયા નજીક રોડ પર ચાલીને જતા હતાં તે દરમિયાન પાછળથી પુરપાટ બેફીકરાઇથી આવી રહેલા અજાણ્યા ટ્રકચાલકે છાનુબેન મહાદેવભાઇ બકુુતરીયા (ઉ.વ.23), રુડીબેન લક્ષ્મણભાઈ બકુતરીયા (ઉ.વ.65) અને સેજીબેન મેરામણભાઈ બકુતરીયા (ઉ.વ.50) નામના ત્રણ મહિલાઓને હડફેટે લઇ ઠોકરે ચડાવતા ત્રણેયને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. આ બનાવમાં જોડિયા પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. જેમાં સીસીટીવી ફુટેજ સહિતની બાબતો વડે જોડિયા પોલીસે એનએલ-01-એજે-0764 નંબરનો ટ્રક હોવાનું જાણવા મળતા આ અંગે તપાસ હાથ ધરી ટ્રકચાલક પંકજ સુરેન્દ્રકુમાર યાદવ નામના શખ્સને ઝડપી લીધો હતો અને ટ્રક પણ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી જોડિયાના પીઆઈ આર.એસ. રાજપુત, એેએસઆઈ આર.એમ. જાડેજા, હેકો નિલેશભાઈ ભીમાણી, કનુભાઈ જાટીયા, વિપુલભાઈ ગોધાણી, પો.કો. સંજયભાઈ મકવાણા સહિતના સ્ટાફે કરી હતી.


