ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્થળોએ નાના-મોટા દબાણો થાય છે. ત્યારે આજથી આશરે અઢી દાયકા પૂર્વે ખંભાળિયામાં તત્કાલીન જામનગર જિલ્લા પોલીસ વડા સતીશ વર્મા દ્વારા ખૂબ મોટાપાયે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જે-તે સમયે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયેલા આ ઓપરેશનમાં અનેક નાના મોટા દબાણો ધ્વસ્ત કરાયા હતા. જે આજે પણ દાખલા રૂપ બની રહ્યા છે.
ત્યારે અહીંના પોસ રહેણાંક વિસ્તાર એવા નવાપરાના છેવાડે આવેલા ગોવિંદ તળાવ પરના દબાણો દૂર કરવા માટે છેક દિલ્હીથી પત્ર દ્વારા આદેશ થતા ભારે ચર્ચા જાગી છે.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તાર નજીક આવેલું ગોવિંદ તળાવ એક સમયનું અહીંનું મોટું તળાવ હતું. આ તળાવ ભરાયેલું રહેતા લોકોના બોર-કુવામાં પાણી અખૂટ રહેતું હતું. પરંતુ દાયકાઓ પૂર્વે તંત્રની ઢીલી નીતિના કારણ ળાવના કાંઠાની બંને બાજુ મોટી સંખ્યામાં મકાન બનાવા લાગતા તેમજ ક્યાંક આ તળાવને બુરીને બાંધકામો થઈ જતા મોટાભાગે દર ચોમાસામાં આ મકાનો ફરતા રસાદી પાણી આવી જાય છે. તો આ તળાવમાં એક સમાજ વાડી પણ બનવા લાગતા તે દબાણ હટાવાયું હતું.
આ પછી તાજેતરમાં છેક દિલ્હીથી તળાવ પરનું આ દબાણ હટાવવા માટેનો આદેશ સરકારી તંત્ર દ્વારા આપીને પાલિકા તથા પ્રાંત અધિકારીને ગોવિંદ તળાવ વિસ્તારના દબાણો દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ અંગે કયા અધિકારી કેવી રીતે કામ કરશે? તેવો સવાલ પણ ચર્ચામાં છે.
આ વચ્ચે ખંભાળિયાના તળાવના દબાણની છેક દિલ્હીથી સુચના મળે તે બાબત પણ ચર્ચાપાત્ર બની છે. આગામી દિવસોમાં હવે સરકારી તંત્ર આ અંગે શું કાર્યવાહી કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે.