પર્યૂષણ મહાપર્વ ચાલી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પાંચમા દિવસે મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જ્યોતિ-વિનોદ ઉપાશ્રયમાં ચાર્તુમાસ પધારેલ પ.પૂ.મુનિ ભગવંત હેમન્તવિજય મ.સા. તથા દેવરક્ષિતવિજયજી મ.સા.ની નિશ્રામાં ઉજવણી કરવામાં આવી હતી. મહારાજસાહેબ મહાવીર જન્મ વાંચન કર્યું હતું. ત્યારબાદ ભગવાનના માતાને આવેલ સ્વપ્નની ઉછામણી કરવામાં આવી હતી. રાત્રે શેઠજી દેરાસર પટાંગણમાં સુરતના સંગીતકાર દ્વારા ભાવના ભણાવવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના પોલીસ અધિક્ષક, મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓ, કોર્પોરેટરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. જેનું જૈન સમાજના શ્રેષ્ઠીઓએ બહુમાન કર્યું હતું.
જૈનોના આઠ દિવસના પ્રવિત્ર પર્વ પર્યુષણનો પાંચમો દિવસે એટલે જૈનોના ર4 મા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચનનો દિવસ. આ પવિત્ર દિવસે 5. પુ. મુનીભગવંત હેમન્તવિજયજી મ.સા. આદી ઠાણાની નીશ્રામાં શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ, જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય, ચાંદી બજાર, જામનગર ખાતે બુધવાર તા. 4ના રોજ દેરાસર ત્થા ઉપાશ્રય ખાતે વિશિષ્ઠ ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણી નિમિતે સવારે 5.પૂ. મુની ભગવંત હેમન્તવિજયજી મ.સા. દ્વારા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જીવન ચરિત્ર ઉપર સુંદર વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ ભગવાનના માતા શ્રી ત્રિશલાને આવેલ 14 સ્વપ્નની ઉછામણી કરાઇ હતી. અમૃત વાડીએ સંઘ જમણ, વિવિધ દેરાસરોમા વિશિષ્ટ આંગી, 108 દીવાની આરતી વિગેરેનું આયોજન કરવામા આવેલ હતું. તેમજ રાતે સુરતથી પધારેલ સંગીતકાર કરણભાઈ શાહ દ્વારા સુંદર ભક્તિ ભાવનાથી શ્રોતાઓને ભક્તિમાં તરબોળ કરેલ જેનો બહોળી સંખ્યામા ભાવિકોએ લાભ લીધો હતો.
આ ઉજવણીમાં જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા, જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તથા જૈન અગ્રણી નિલેશભાઈ કગથરા, સીટી એ-ડીવીઝનના પોલીસ ઇન્સ્પેકટર ચાવડા, જૈન સમાજના અગ્રણીઓ વી.પી. મહેતા, કિરીટભાઈ મહેતા, નિલેશભાઈ (ભભલભાઈ), જતીનભાઈ મહેતા (પૂર્વ કોર્પોરેટર) ઉપસ્થિત રહ્યા હતાં. બહુમાન વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, પાઠશાળા જૈન સંઘના પ્રમુખ ભરતભાઈ વસા, ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ દોશી, ઓશવાળ જૈન સંઘના નવીનભાઈ ઝવેરીએ કર્યું હતું. આ ઉજવણીમાં જૈન સમાજના તમામ ફીરકાના અગ્રણીઓ તથા ટ્રસ્ટી ગણ વિગરે જોડાયા હતા.