દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસથી અનરાધાર મેઘવર્ષા થઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અગ્રતા ધોરણે રાખી, સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સ્થિતિ પગલે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા અહેવાલ અનુસાર ભાણવડ તાલુકાના ગુંદા ગામે વૃક્ષ પડવાથી એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું છે.આ ઉપરાંત બુધવારે બપોર સુધીમાં કુલ 16 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે 548 જેટલા લોકોને આશ્રયસ્થાન ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં કોસ્ટ ગાર્ડના જવાનો દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિની વચ્ચે દ્વારકા દરિયામાંથી 13 જેટલા ખલાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે 2065 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 32 તેમજ રાજ્ય હસ્તકના 5 રસ્તા હાલ બંધ છે. જ્યારે એસ.ટી.ના 22 રૂટ બંધ છે. જિલ્લામાં ખંભાળિયા ડિવિઝનમાં 44 ગામોમાં તેમજ દ્વારકા ડિવિઝનમાં 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ હોય, નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી, ડેમ જેવા વિસ્તારોમાં નહિ જવા, પાણી ભરાયેલા કોઝ-વે પરથી પસાર નહિ થવા, વીજપોલ અને વૃક્ષ નીચે આશ્રય ન લેવા તેમજ જરૂર જણાયે તાલુકા કંટ્રોલ રૂમ અથવા જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.