જામનગર શહેર નજીક ધુંવાવ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતાં દંપતીને અવાર-નવાર ત્રાસ આપી પરેશાન કરતા દંપતી સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. સામાપક્ષે પ્રૌઢ દ્વારા યુવાન સાથે ઝઘડો કરી ધારીયા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેર નજીક આવેલા ધુંવાવ હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર 239 માં રહેતાં ઈશાક નાસીકભાઈ બાગુગા (ઉ.વ.46) નામના યુવાન અને તેની પત્નીને હાઉસીંગ બોર્ડમાં જ રહેતાં અશોકસિંહ દેવુભા જાડેજા, યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા અને રંજનબા અશોકસિંહ જાડેજા નામના એક જ પરિવારના ત્રણ શખ્સો દ્વારા ઈશાક તથા તેની પત્ની સાથે બાઈક પાર્ક કરતા રોકવા તથા ઘર પાસે સાફ સફાઈ કરતા અટકાવી અવાર-નવાર હેરાન પરેશાન કરતા હતાં. તે દરમિયાન ગત તા.29 ના સાંજના સમયે ઇશાક જતો હતો તે દરમિયાન બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને અશોકસિંહ, તેના પત્ની રંજનબા તથા પુત્ર સહિતના ત્રણેય શખ્સોએ ઈશાકને આંતરીને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તથા ઈશાકની પત્ની તાહીરા ઉપર લોખંડનો પાઈપ ઝીંકયો હતો. તેમજ રંજનબાએ માર મારી ઈજા પહોંચાડી ઝપાઝપી કરી તાહીરાના વાળ પકડી નીચે પછાડી દીધી હતી તેમજ જાહેરમાં ગંદી ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે અશોકસિંહ દેવુભા જાડેજા નામના પ્રોૈઢ ગત તા. 29 ના રોજ બપોરના સમયે તેની રીક્ષા લઇ મરણપ્રસંગે ગયા હતાં અને ત્યારે તેમના પત્ની રંજનબા ઘરે હતાં તે સમયે ઈશાકે આવીને ધારીયું બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ અશોકસિંહ તેના પત્ની રંજનબા અને પુત્ર યુવરાજસિંહ ત્રણેય મળીને ઈશાકને ગોતવા જતા પ્રોવિઝન સ્ટોર્સની સામે ઈશાક મળી આવતા તેેણે પ્રૌઢ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ધારીયા વડે અશોકસિંહ ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
આમ, ધુંવાવ હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં સામસામી થયેલી મારામારીમાં ઘવાયેલા બે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે હેકો એસ.જી. જાડેજા તથા સ્ટાફે ઈશાકના નિવેદનના આધારે દંપતી અને તેના પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ તથા સામાપક્ષે અશોકસિંહના નિવેદનના આધારે સામસામી હુમલાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.