જામનગરના લાલપુર બાયપાસ નજીક ઘુઘરા વેંચતા પિતા-પુત્રએ મફતમાં ઘુઘરા આપવાની ના પાડતા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ નશાની હાલતમાં પિતા-પુત્રને લમધારી નાખ્યા હતાં. જામજોધપુરના ધુનડા ગામમાં વૃદ્ધ ઉપર બે શખ્સોએ કોઇ કારણ વગર પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે શાલીગ્રામ હોસ્પિટલ નજીક નહેરના કાંઠે ટેલબ નાખી ઘુઘરાનું વેંચાણ કરતા પિતા – પુત્ર ઉપર ગઈકાલે રાત્રિના સમયે ચાર જેટલા અજાણ્યા શખ્સોએ નશાની હાલતમાં આવી મફતમાં ઘુઘરા આપવા જણાવ્યું હતું. જેથી મફતમાં ઘુઘરા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ઘુઘરા વેંચતા પિતા-પુત્ર ઉપર હુમલો કરી લોહી – લુહાણ કરી નાખ્યા હતાં. ત્યારબાદ ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં બનાવની જાણના આધારે પોલીસે ઈજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના ધુનડા ગામમાં રહેતાં અને ખેતી કરતા કરતાં ગૌરીશંકર ગીગાભાઈ શીલુ (ઉ.વ.67) નામના વૃદ્ધને શુક્રવારે સાંજના સમયે તેના ઘર પાસે ભીખુ રતીલાલ શીલુ અને મુકેશ રતીલાલ શીલુ નામના બે ભાઈઓએ કોઇ કારણ વગર ઉશ્કેરાઈને વૃદ્ધને ગાળો કાઢી છૂટા પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હતી. બનાવની જાણના આધારે હેકો જે ડી મેઘનાથી તથા સ્ટાફે બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.