જામનગર જિલ્લાના મોટી ખાવડી વિસ્તારમાં રહેતી યુવતી તેના પ્રેમી સાથે ભાગી જવા માટે તેણીના પિતા અને માતાને ઉંઘની ગોળીઓ ખવડાવી ઘરમાંથી રૂા. 3,50,000 ની રોકડ રકમ ચોરી કરી ભાગી ગયા બાદ પોલીસે પ્રેમી યુગલને ઝડપી લીધું હતું.
‘પ્રેમ આંધળો છે’ કહેવત ઘણી વખત સાચી પડતી હોય છે. આવો જ એક કિસ્સો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં બન્યો છે. જેમાં ઉત્તરપ્રદેશના ગોપાલપુરા ગામના વતની અને હાલ મોટી ખાવડીમાં સમાજ વાડી પાસે ભાડે મકાનમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા છોટેભાઈ ઉર્ફે મુળુભાઈ ગ્યાદિનભાઈ કુશ્વાહ નામના યુવાનની દિકરી ખુશ્બુ નામની યુવતીએ તેણીના પ્રેમી અંભુજ ઉર્ફે બીટુ પ્રદિપ ગુપ્તા નામના પ્રેમી સાથે મળીને લગ્ન કરવા માટે ભાગી જવા પૂર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું અને પ્રેમી યુગલે તેણીના માતાને ઉંઘની ગોળીઓનો પાઉડર કોલ્ડ્રીંકસમાં ભેળવીને પીવડાવી દીધો હતો. ત્યારબાદ યુવતીએ તેણીના ઘરમાં લોખંડની પેટીમાં રાખેલી સાડા ત્રણ લાખની રોકડ રકમ ચોરી કરીને પ્રેમી સાથે પલાયન થઈ ગઈ હતી.
ત્યારબાદ ભાનમાં આવેલા પિતાએ તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ બી બી કોડીયાતર સ્ટાફે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરતાં ખુશ્બુ છોટેભાઈ કુશ્વાહ અને તેના પ્રેમી અંભુજ ઉર્ફે બીટુ પ્રદિપ ગુપ્તા અને કખ્તાન ઠાકુરદાસ સાકય નામના ત્રણેય શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતાં અને પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવહી હાથ ધરી હતી.