રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરના સહયોગથી જામનગરમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 150 કરતાં વધારે દિવ્યાંગ તથા મનોદિવ્યાંગ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો અને યોગાસન તેમજ પ્રાણાયામ કર્યાં હતા. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ વિશિષ્ટ બાળકોની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો.
જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલ ફ્રેન્ડસ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ બાળકોની ક્ષમતાઓ અને જરુરીયાતોને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલાં આસનો શહેરના યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ શીખવવામાં આવ્યાં હતાં. માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી ધ્યાન અને પ્રાણાયામની પણ તાલીમ આપવામાં આવી હતી.
આ ઉજવણીમાં વાલીઓને પણ સાંકળી લઈને યોગની પ્રવૃત્તિ બાળકોના રોજિંદા જીવનનો ભાગ બને અને તેનો શારીરિક-માનસિક અપૂર્તતાઓની અસર ઓછી કરવામાં થાય તેવો પ્રયાસ કરાયો હતો. બાળકો ખૂબ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને વાલીઓએ પોતાના પ્રતિભાવોમાં યોગ ને પોતાના અને સંતાનોનાં જીવનની કાયમી પ્રવૃત્તિ તરીકે સામેલ કરવાની ખાતરી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં સી.એસ..આર. વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયેલ સર્વેને અલ્પાહાર અને સ્મૃતિભેટ આપવામાં આવ્યાં હતાં. સમાજની સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહિત કરતા અને વિશિષ્ટ બાળકોનાં શારિરીક-માનસિક સ્વાસ્થ્યમાં ઉપયોગી આ કાર્યક્રમને લાભાર્થીઓએ ઉત્સાહભેર આવકારી અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મનોદિવ્યાંગ ક્ધયાઓને મેડીકલ ટીમની મદદથી મેન્સ્ટ્રુઅલ હાઈજીનની તાલિમ, વિશિષ્ટ બાળકો માટે વિવિધ રમત ગમત, વિશિષ્ટ બાળકોની તાલીમ માટે જરૂરી સાધનો માટે અનુદાન વગેરે પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું