Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની કાર્યવાહી જ તેની લાપરવાહી છતી કરે છે, જવાબદારો સામે પગલાં કેમ...

જામ્યુકોની કાર્યવાહી જ તેની લાપરવાહી છતી કરે છે, જવાબદારો સામે પગલાં કેમ નહીં ?

સેફટીની ચકાસણી નિયમિત કરવાની હોય છે કોઇ દુર્ઘટના બાદ નહી

- Advertisement -

રાજકોટના અગ્નિકાંડ બાદ જામનગર મહાપાલિકાના આળસુ અને નિંભર તંત્રને પણ ફરજિયાત જાગવાની ફરજ પડી છે. દુર્ઘટના બાદ એકશનમાં આવેલા જામ્યુકોના જુદા જુદા તંત્રએ શહેરમાં 30 થી વધુ સ્થળોએ તપાસ અને સર્વે કરતા જુદી જુદી અનિયમિતતાઓ મળી આવતા એક ડઝન જેટલા સ્થળોને સીલ કરવામાં આવ્યાં છે. એનો અર્થ એ થયો કે, આવા ગેરકાયદે, મંજૂરી વગરના, કે અનિયમિતતા ધરાવતા એકમો સામે જામ્યુકોના તંત્ર અને તંત્ર વાહકો દ્વારા લાંબા સમયથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજકોટના લાપરવાહ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઇ શકે તો જામનગરના અધિકારીઓ સામે કેમ નહીં? શું દુર્ઘટના બાદ જ બેદરકારી સાબિત થાય ? અહીં તો જામ્યુકોની પોતાની કાર્યવાહી જ તેના અધિકારીઓની લાપરવાહી અને બેદરકારી સાબિત કરે છે. મ્યુ. કમિશનર તેમજ જામ્યુકોના સતાધિશો આવી બેદરકારી અંગે કોઇ કડક કાર્યવાહી કરશે ખરા? કે પછી આપણે પણ રાજકોટની જેમ મોટી દુર્ઘટનાની રાહ જોઇશું ?

- Advertisement -

રાજકોટની દુર્ઘટના બાદ અને રાજ્ય સરકારની સૂચના પછી (સ્વયંભૂ નહી) સફાળા જાગેલા જામનગર મહાનગરપાલિકાના તંત્રએ છેલ્લાં ત્રણેક દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ગેમઝોન, રેસ્ટોરન્ટ, મોલ, થીયેટરો વગેરેે જાહેર સ્થળોએ ફાયર સેફટી સહિતની સલામતીની વ્યવસ્થાઓ અંગેની તપાસણી શરૂ કરી છે. જે અંતર્ગત શહેરમાં જુદા જુદા રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી. જેમાં ફાયર સેફટીનો અભાવ, નિયમોનું ઉલ્લંઘન, જરૂરી મંજૂરીઓનો અભાવ, વગેરે મુદ્દે એક ડઝન જેટલા એકમો સીલ કરવામાં આવ્યાં. જે સૂચવે છે કે આ એકમોમાં કોઇને કોઇ ક્ષતિ જોવા મળી છે. તો જેની જવાબદારી છે તેવા જામ્યુકોના અધિકારીઓ અત્યાર સુધી શું કરતાં હતાં? શા માટે અહીં નિયમિત ચેકિંગ કરવામાં ના આવ્યું ? એકમો સિલ કરવામાં આવ્યાં એનો મતલબ જ થયો કે અહીં કોઇને કોઇ ગેરરીતિ ચાલતી હતી. તો આ માટે જવાબદાર કોણ ? આવી લાપરવાહી માટે અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક પગલાં કેમ નહીં? તેઓ પ્રશ્ર્ન ઉઠે તે સ્વાભાવિક છે. જામનગર મહાનગરપાલિકાના નરબંકા અધિકારીઓ એ ડઝન જેટલા એકમો સિલ કરીને કોઇ મોથ નથી મારી. પરંતુ, પોતાની જ લાપરવાહી અને બેદરકારી ઉજાગર કરી છે. તેમણે જ જામનગરની પ્રજા સમક્ષ આડકતરી રીતે જાહેર કર્યુ છે કે, અમારી આટલી બેદરકારીને કારણે આટલા એકમો મંજૂરી વગર કે સલામતીની પર્યાપ્ત વ્યવસ્થા વગર ધમધમી રહ્યા છે. આ તો હજુ પાસેરામાં પુણી સમાન છે. આગે આગે દેખો હોતા હે કયા. જેમ જેમ કાર્યવાહી થતી જશે. તેમ તેમ જામ્યુકોની લાપરવાહીનો ચરુ બહાર આવતો જશે.

જામનગર શહેરની પ્રજા, જામ્યુકોના સત્તાધિશો, પ્રજાના પ્રતિનિધિઓએ આ કાર્યવાહીને તંત્રની ઘોર લાપરવાહી તરીકે મુલવવી જોઇએ. જો રાજકોટ કાંડ સર્જા્યો ન હોત તો જામનગર શહેરમાં ચાલતી લાલીયાવાડી બહાર આવી જ નહોત. અને જ્યારે કોઇ રાજકોટ જેવી દુર્ઘટના સર્જાત ત્યારે સતાધિશોની આંખ ઉઘડી હોત. આ પ્રકારની બેદરકારીને અત્યંત ગંભીરતાથી લઇ જે કોઇ પણ વ્યક્તિ જવાબદાર હોય તેની સામે અત્યારથી જ દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં રાજકોટ જેવી દુર્ઘટના નિવારી શકાય.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular