જામનગર તાલુકાના દરેડ ઔદ્યોગિક વસાહતમાં બ્રાસપાર્ટના વેપારીઓ પાસેથી રાજસ્થાનના જોધપુરના વેપારીએ સાત લાખની કિંમતનો માલ લઇ વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ભાનુ પેટ્રોલ પંપ પાછળ આવેલી મંગલદીપ સોસાયટીમાં રહેતાં વિશાલભાઇ અશોકભાઇ સુચક નામના યુવાનનું દરેડ જીઆઇડીસી ફેઇસ-3માં સી રોડ પ્લોટ નં. 4297માં આવેલા એમીનેન્સ હાર્ડવેર એન્ડ સેનીટેરી હબ નામની પેઢીમાં રાજસ્થાનના જોધપુર ગામમાં આવેલી ક્રિષ્ના ટ્રેડર્સ નામની પેઢીના ભરતકુમાર દ્વારા ફેબ્રુઆરી 2023માં વિશાલભાઇ સાથે સંપર્ક કરી વેપાર કરવા માટે વાતચીત તેમજ વિશ્વાસમાં લીધા હતાં. ઉપરાંત અન્ય પેઢીના સંચાલકોને પણ રાજસ્થાનના વેપારીએ વિશ્વાસમાં લઇ જામનગરના બ્રાસપાર્ટસના આ વેપારીઓ પાસેથી રૂા. 7,09,995ની કિંમતનો બ્રાસપાર્ટસનો માલસામાન ખરીદ કર્યો હતો અને એક વર્ષથી વધુ સમય થવા છતાં જોધપુરના વેપારી દ્વારા પૈસાની ચૂકવણી કરવામાં આવી ન હતી.
અવાર-નવાર જામનગરના વેપારીઓ દ્વારા રકમની ઉઘરાણી કરવા છતાં જોધપુરના વેપારીઓ પૈસા ચૂકવ્યા ન હતા. આખરે કંટાળીને જામનગરના વેપારી વિશાલભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે વિશાલભાઇ અને અન્ય વેપારીઓનાના નિવેદનના આધારે જોધપુરના વેપારી ભરતકુમાર વિરુધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.