મીઠાપુર વિસ્તારમાં આવેલા એક આરોગ્ય કેન્દ્રના કર્મચારીને મોજપના બે શખ્સોએ બિભત્સ ગાળો ભાંડી અને મારકુટ કરતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મીઠાપુર નજીક આવેલા વરવાળા ગામે રહેતા અને નજીકના મોજપ ગામે આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારી ધમનકુમાર રણછોડભાઈ મકવાણા (ઉ.વ. 37) એ મોજપ ગામના રહીશ એવા કનૈયાભા સાવજાભા માણેક અને નંઢાભા સાવજાભા માણેક સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપરોક્ત બંને આરોપીઓએ ગઈકાલે શુક્રવારે આયુષ્યમાન આરોગ્ય મંદિર પરિસરમાં આવી અને તેઓ ફરજ પર હતા, ત્યારે કોઈ કારણોસર આરોપીઓએ તેમની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી, બિભત્સ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપી કનૈયાભા માણેકએ પથ્થર વડે માર મારી, તેમને નાની-મોટી ઈજાઓ કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 332, 186, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.