જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી એક પછી એક ચોરીના બનાવોની વધતી જતી ઘટનાએ શહેરીજનોમાં ફફડાટ ફેલાવી દીધો છે. બેખોફ બની ગયેલા તસ્કરો રહેણાંક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. હાલમાં શહેરમાં લાખોની રોકડની ચોરી બાદ વધુ એક વખત મેડીકલ સ્ટોરમાંથી બે લાખની રોકડ રકમ ચોરીની ઘટના બની ગઈ છે.
મળતી વિગત મુજબ, છેલ્લાં ઘણાં સમયથી જામનગર શહેર અને જિલ્લામાં બેફામ બની ગયેલા તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. શહેરી વિસ્તારમાં બંધ રહેલા રહેણાંક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી આચરતા રહે છે. તસ્કરો પોલીસના ભય વગર એક પછી એક ચોરી કરતા જાય છે. હાલમાં જ નિવૃત્ત આર્મીમેનના મકાનમાંથી લાખોની રોકડ રકમ અને રીવોલ્વર તથા દાગીના સહિતની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલી આશુતોષ હોસ્પિટલ નીચે આશુતોષ મેડીકલ સ્ટોરમાંથી રાત્રિના નવ વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ લાકડાની બારી તોડી મેડકીલ સ્ટોરમાં પ્રવેશ કરી કાઉન્ટરમાં લોક તોડી તેમાં રાખેલી રૂા. 2,10,000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં.
બાદમાં આ ચોરીની જાણ થતા મેડીકલ સ્ટોરના સંચાલક માનસ દશરથભાઈ ત્રિવેદી દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોનું પગેરુ મેળવવા તપાસ આરંભી અને ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી હતી.