ધ્રોલ તાલુકાના વાગુદડ ગામે જામનગર ભાજપાના ઉમેદવાર અને ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ધ્રોલ તાલુકાના સરપંચ એસોસિએેશનના પ્રમુખ સહિત 10 ગામોના સરપંચો દ્વારા બેઠકમાં હાજરી આપી જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર સાથે હોવાની સહમતિ આપી હતી. અને જણાવ્યું હતું કે, ભાજપ સામે રોષ છે. પરંતુ જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સામે કોઇ વિરોધ નહીં. કોંગ્રેસને મત નહીં આપવામાં આવે.
જામનગર સહિત હાલાર પંથકમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપાના રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઇ વિરોધ છવાયો છે ત્યારે ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ધ્રોલ તાલુકા ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગઇકાલે જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમ સાથે બેઠક યોજી હતી. અને સ્પષ્ટતા કરી હતી કે, ભાજપ અને રૂપાલા સાથે વાંધો છે. પરંતુ ધ્રોલ તાલુકા ક્ષત્રિય સમાજ જામનગર લોકસભાના ઉમેદવારો પૂનમબેન માડમ સાથે છે. ધ્રોલ તાલુકાના વાગુદડ ગામે ક્ષત્રિય સમાજ અગ્રણી રાજભા સતુભા જાડેજાના ફાર્મ હાઉસ ખાતે ગઇકાલે રાત્રે ક્ષત્રિય આગેવાનો અને જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમની બેઠક યોજાઇ હતી. જામનગર સંકલન સમિતિના પ્રમુખ ગોવુભા જાડેજા (ડાડા) તેમજ ધ્રોલ તાલુકાના સરપંચ એસોસિએશનના પ્રમુખ સહિત 10 ગામોના સરપંચો તેમજ ક્ષત્રિય સમાજના 150 જેટલા આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા. અને જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમને સમર્થન માટે સહમતી સધાઇ હતી.
ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ સ્પષ્ટતા જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો વિરોધ પુરૂષોત્તમ રૂપાલા સામે છે. જામનગરના લોકસભાના ભાજપા ઉમેદવાર પૂનમબેન માડમ કોઇ રોષ નથી.