જામનગર જિલ્લા તિજોરી કચેરી તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ બેંક મારફત ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
જે અનુસાર, જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ માહે મે, જૂન તથા જુલાઈ-2024 દરમિયાન જે બેંક બ્રાંચ મારફત પેન્શન મેળવતા હોય, તો તે બ્રાંચમાં જઈને તેમની હયાતીની ખાત્રી કરાવવાની રહેશે. હયાતીની ખરાઈ અંગેના ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પીપીઓમાં કરેલી સહીના નમૂના મુજબની સહી કરવાની રહેશે.
તેમજ લાગુ પડતા કિસ્સામાં ફેમિલી પેન્શનરોએ લગ્ન/પુન:લગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા હોય તેવા પેન્શનરોએ એમ્પલોઈડ/રિ-એમ્પ્લોઈડના ફોર્મમાં પણ સહી કરવાની રહેશે.
જે પેન્શનરો હયાતીની ખાત્રી અર્થે બેંકમાં રૂબરૂ જઈ શકે તેમ ન હોઈ, તો તેવા પેન્શનરોએ jeevanpramaan.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન હયાતી ખરાઈ કરાવી શકશે. જે પેન્શનરો વિદેશમાં રહેતા હોય, તો તેઓએ તેમની હયાતીની ખાતરી જે દેશમાં વસવાટ કરતા હોય, તો ત્યાં પબ્લિક નોટરી પાસે ફોટા, બેંક બ્રાંચ તથા પીપીઓ નંબર, બેંક ખાતા નંબરની વિગતની નોંધ સાથે હયાતીની ખાતરી કરાવી શકશે. વધુમાં સને 2023-24 ના પેન્શનની આવકના પ્રમાણપત્રો પેન્શનરોએ સંબંધિત બેંક પાસેથી મેળવી લેવાના રહેશે. તેમજ https://cybertreasury.gujarat.gov.in આ વેબસાઈટ પરથી આવકના પ્રમાણપત્ર મેળવી શકાશે. તેમ જિલ્લા તિજોરી અધિકારી વી.સી.ગઢવી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.