ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પોલીસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઈન્સ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા તથા અરજણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા નજીક આવેલા હાપીવાડી સીમ વિસ્તારમાં રહેતા વીરપાલ હરદાસ મશુરા નામના 55 વર્ષના ગઢવી આધેડ દ્વારા આ જ વિસ્તારમાં માલદે વિરમ સિંધિયાની વાડીએ આવેલા રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે બહારથી જુગાર રમવા માટે જુગારીઓને બોલાવી અને અહીં તેના દ્વારા જુગારીઓને ચા-પાણી, લાઈટ અને જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડી અને ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસે હરીપર ગામના વીરપાલ હરદાસ મશુરા, સલાયાના અલીઅકબર રજાક સંઘાર, અજીજ જુમા સુરાણી, ઉમર કાસમ બંદરી, લલિયા ગામના ધારા જેસા ધારાણી અને ભીંડા ગામના ગોવિંદગર નથુગર ગોસાઈ નામના છ શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 38,950 રોકડા, રૂપિયા 11,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 55,000 ની કિંમતના ત્રણ મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,05,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, મસરીભાઈ ભારવાડીયા, લાખાભાઈ પિંડારિયા, ભરતભાઈ જમોડ, દિનેશભાઈ માડમ તથા અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.