જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.4560 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. જામનગર તાલુકાના ઠેબા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત ચાર શખ્સોને પોલીસે રૂા.4370 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખંભાળિયા ગેઈટ પાસે દ્વારકાપુરી રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મોહનલાલ ઉર્ફે મામા પરશોતમ મંગે નામના વૃધ્ધ શખ્સને વર્લીમટકાના સાહિત્ય અને રૂા.4560 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર તાલુકાના ઠેબા ગામમાં ભાવપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન નુરમામદ અલી શેખ અને ઈમ્તિયાઝ ઈસાક શેખ તથા બે મહિલા સહિત ચાર શખ્સોને રૂા.4370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.