જામનગર શહેરના નિલકંઠનગર વિસ્તારમાં રહેતાં અને મહાનગરપાલિકામાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ સફાઈ કર્મચારીને નોકરી નથી છતાં આ વિસ્તારમાં કેમ આવ્યા છો ? તો દવાખાના કાગળો બતાવવાનું કહેતાં દંપતીએ કર્મચારીને પથ્થરોના ઘા મારી કપાળમાં તથા આંખમાં ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકંઠનગર વિસ્તારમાં રહેતાં અને મહાનગરપાલિકામાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ સોલંકી નામના કર્મચારીએ શનિવારે સવારના સમયે મહાવીરનગર વિસ્તારમાં વિણાબેન રવિ ચુડાસમા નામના સફાઈ કર્મચારીની આ વિસ્તારમાં નોકરી ન હોવા છતાં જોવા મળતા કર્મચારીએ સફાઇ કામદારને ‘અહીંયા શા માટે આવ્યો છો ?’ તેમ કહેતા મહિલા કામદારે કહ્યું કે, ‘દવાખાને જાવું છે’ તેમ જણાવતા કર્મચારીએ મહિલા સફાઈ કામદારને ‘દવાખાને ગયા પછી ડોકટરનો કાગળ મને બતાવજો.’ તેમ કહેતાં વિણાબેન અને તેણીના પતિ રવિ જેન્તી ચુડાસમા એ ઉશ્કેરાઈને પથ્થરનો છૂટો ઘા કરી ચિરાગભાઈને કપાળમાં તથા આંખમાં ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. ઘવાયેલા કર્મચારીને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં બનાવની જાણના આધારે હેકો પી. ટી. જાડેજા તથા સ્ટાફે દંપતી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
સામાપક્ષે રવિ જેન્તી ચુડાસમા અને તેની પત્ની વિણાબેન બંને જણા દવાખાને જવા માટે રજાની માંગણી કરતાં હતાં ત્યારે મહાપાલિકાના કર્મચારી ચિરાગ સોલંકીએ કહ્યું કે, ‘તમારે આ રોજનું છે. અવાર-નવાર રજા માંગો છો તેના કરતા નોકરી મૂકી દો’ તેમ કહી ઉશ્કેરાઈને રવિને લાત મારી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી. આ અંગે રવિભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે ચિરાગ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.