રાજયની નગરપાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ ખર્ચની મર્યાદા નિયત કરાયા છે. જેમા મહેકમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી પાલિકાના વહીવટી તંત્રની હોય છે.
ખંભાળિયા પાલિકામાં બિન જરૂરી મનાતા ખર્ચાઓના કારણે પાલિકાનું મહેકમ ખર્ચ વધી જતાં પાલિકાની મહેસુલી આવક વધારવાના બદલે પાલિકાના કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવા પાલિકાના કર્મચારીઓને મળતા સાતમાં પગાર ધોરણ પ્રમાણે મળતા પગારમાં ઘટાડો કરવા પાલિકાના ચીફ ઓફિસરએ તા. 18 એપ્રિલ 2024 ના રોજ કર્મચારીઓને મળતુ સાતમુ પગાર ધોરણ પરત ખેંચવા અંગેનો દફતરી હુકમ કર્યો હતો. જેની સામે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા ગુજરાતની વડી અદાલતમાં આ આદેશને પડકારવામાં આવ્યો હતો.
આના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરના તા. 18 એપ્રિલના દફતરી હુકમ સામે બુધવાર તા. 24 ના રોજ મનાઈ હુકમ ફરમાવતા પાલિકાના કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ હતી. જેથી પાલિકા કર્મચારીઓએ ફટાકડા ફોડીને સૌના મોં મીઠા કરાવ્યા હતા.