જામનગરમાં વર્ષ 2021 માં નરાધમ પાડોશી દ્વારા તરૂણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ આચરવાના કેસમાં સરકારી વકીલ ભારતીબેન વાદીની દલીલોને માન્ય રાખી સ્પે. કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા. 9 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ, ફરિયાદીના પુત્રી ભોગ બનનાર તા.11-12-2021 ના રોજ શાળાએ જતી હતી ત્યારે આરોપી ભાયાભાઈ આંબલીયા તેને પોતાના મોટરસાઈકલમાં બેસાડી તળાવની પાળ પાસે લઇ જઇ જરૂખામાં બેસાડી ભોગ બનનારની સાથે બિભત્સ ચેનચાળા કરતા ભોગ બનનાર ઘરે ચાલી ગઈ હતી આ અંગે ફરિયાદી તથા તેમની બહેને ભોગ બનનારને પુછતા તે રડવા લાગી હતી અને જણાવ્યું હતું કે, પડોશમાં રહેતા ભાયાભાઈની પુત્રી પાસે લેશન કરવા ગઈ હતી ત્યારે તે હાજર ન હોય. ભાયાભાઈ ઘરે એકલા હોય જેથી તેણે ભોગ બનનારને રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.
આ ઘટના અવાર-નવાર બની હોય પરંતુ, આરોપીના ડરને કારણે ભોગ બનનારે કોઇને જાણ કરી ન હતી. ત્યારબાદ આ અંગે આરોપી ભાયાભાઈ આંબલિયા વિરૂધ્ધ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસ સ્પેશિયલ કોર્ટમાં આરતી એ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.15 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજા તથા ભોગ બનનારને કમ્પનસેશનના રૂા. 9 લાખ વળતર પેટે ચૂકવવા પણ સ્પેશિયલ કોર્ટના જજ આરતી વ્યાસ દ્વારા હુકમ કરાયો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.