ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા અને અગ્નિવીર ટ્રેનિંગમાં પાસ થઈ અને હૈદરાબાદ ટ્રેનિંગમાં જાય તે પૂર્વે ખંભાળિયા નજીક આજરોજ એક મોટરકારની અડફેટે આ યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ સોઢા નામના 20 વર્ષના યુવાન આર્મીની ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થઈ ગયા હતા. જેથી આ અંગેની ટ્રેનિંગ માટે હૈદરાબાદથી આવીને પરત જવાના હોવાથી આજરોજ સવારના આઠેક વાગ્યાના સમયે તેમના મોટાભાઈ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા પિતરાઈ ભાઈ શક્તિસિંહ તેમજ તેમના મામા દિલીપસિંહ ઈક્કો કારમાં તમને મૂકવા ખંભાળિયા-દ્વારકા માર્ગ પર અત્રેથી આશરે 14 કિલોમીટર દૂર હંસ્થળ ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા.
અહીંથી જવા માટે બ્રિજરાજસિંહ સહિત ત્રણેય વ્યક્તિઓ એક ખાનગી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 03 એલ.એમ. 4610 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે આ માર્ગ પર ઉભા રહેલા બ્રિજરાજસિંહને અડફેટે લેતા તેમની ખોપડી ફાટી ગઈ હતી અને લોહી લોહાણ હાલતમાં ગંભીર અવસ્થામાં તેમને ઈમરજન્સી 108 મારફતે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. અહીં પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે વચલા બારા ગામના રહીશ અને મૃતક બ્રિજરાજસિંહના મોટાભાઈ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ સોઢા (ઉ.વ. 26) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે સ્વિફ્ટ મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી છે.
અકસ્માત બાદ પલટી જવાથી આ મોટરકારનો બુકડો બોલી ગયો હતો. આ મોટરકાર એક સગીર વયનો યુવાન ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.