ભારતના 17 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર ડી.ગુકેશે ઇતિહાસ રચ્યો છે. તેણે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને વિશ્વ ચેમ્પિયનને પડકાર આપનાર સૌથી યુવાન ખેલાડી બની ગયો છે. ગુકેશ મહાન ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવેનો 40 વર્ષ જુનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. ગુકેશે છેલ્લા રાઉન્ડમાં અમેરિકી ખેલાડી હિકાર, નાકામુરા સાથે સરળ ડ્રો રમ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તે કુલ 14માંથી 9 અંક મેળવવામાં સફળ રહ્યો હતો. આ ટુર્નામેન્ટ વિશ્વ ચેમ્પિયનને પડકાર આપતા ખેલાડીને પસંદ કરવા માટે આયોજિત કરવામાં આવે છે.
આ જીતની સાથે ગુકેશને આ વર્ષના અંતમાં ચીનના હાલના વિશ્વ ચેમ્પિયન ડિંગ લિરિન સામે રમવાનો મોકો મળશે. આ જીતથી ડી.ગુકેશને 88,500 યુરો (લગભગ 78.5 લાખ રૂપિયા)નો રોકડ પુરસ્કાર પણ મળ્યો છે. ગુકેશ મહાન ચેસ ખેલાડી વિશ્ર્વનાથ આનંદ બાદ આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને જીતનાર માત્રી બીજો ભારતીય ખેલાડી બન્યો છે. મહાન ચેસ ખેલાડી વિશ્ર્વનાથ આનંદે ગુકેશને અભિનંદન પાઠવ્યા છે.