જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં બાઈક પર જતાં પ્રૌઢ સાથે અજાણ્યા બાઈકસવારોએ બાઈક ભટકડાવાના નામે બે ફડાકા મારી ધમકી આપી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. જામનગરના હાપા યાર્ડ પાસે યુવાન સાથે બાઈક અથડાવી માથાકૂટ કરી બે અજાણ્યા શખ્સોએ રૂા.10000નો મોબાઇલની લૂંટ ચલાવ્યાના બનાવે શહેરીજનોમાં વધુ એક વખત ફફડાટ ફેલાવી દીધો છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અગાઉ પણ બાઈક અથડાવવાના નામે શહેરીજનોને ધાકધમકી કે દબાવીને બળજબરીપૂર્વક પૈસા પડાવવાના બનાવો બની ગયા છે. પરંતુ પોલીસ દ્વારા કરાયેલી કડક કાર્યવાહી બાદ આવી ઘટનાઓ બંધ થઈ ગઈ હતી પરંતુ હાલ જામનગર શહેરમાં વધુ બે ઘટનાઓમાં બે બાઈકસવારને માર મારીને લૂંટના બનાવમાં પોલીસે તપાસ આદરી છે. પ્રથમ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ડાયાભાઇ પીઠાભાઈ ચાવડા (ઉ.વ.59) નામના પ્રૌઢ ગત તા.16 ના રોજ સવારના સમયે દિ.પ્લોટ 49 માંથી પસાર થતા હતાં તે દરમિયાન પ્રૌઢના જીજે-10-બીેએલ-8737 નંબરના એકસેસ સાથે જીજે-03-ડીસી-5308 નંબરના બે અજાણ્યા બાઈકસવારે પ્રૌઢના એકસેસ સાથે બાઈક ભટકાડી રીપેરીંગના ખર્ચ માટે પ્રૌઢને બે ફડાકામારી તેના ખીસ્સામાં રહેલા રૂા.2500 ની તથા ડ્રાઈવિંગ લાઈસન્સની ઝેરોક્ષ અને એક મોબાઇલ મળી કુલ રૂા.5000 ની માલમતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. બનાવ અંગે પ્રૌઢ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બાઈકનંબરના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલા શિવમ પાર્કમાં રહેતાં શૈલેષભાઈ નરશીભાઈ લાડપરા (ઉ.વ.43) નામના યુવાન ગત તા.17 ના રાત્રિના સમયે તેના બાઈક પર અન્નપૂર્ણા ચોકડીથી હાપા યાર્ડ બાજુ જતો હતો તે દરમિયાન બે અજાણ્યા બાઈકસવારોએ શૈલેષના મોટરસાઈકલ સાથે અથડાવી મોબાઇલની ડિસપ્લે તૂટી ગઈ હોવાથી બે હજાર રૂપિયા ખર્ચના આપવા પડશે તેમ જણાવતા યુવાને ફોન પર અજાણ્યા બાઈકસવારો સાથે વાત કરાવતા બંને લુખ્ખા તત્વોએ યુવાનનો રૂા.10000 ની કિંમતના ફોનની લૂંટ ચલાવી હતી. તે દરમિયાન શૈલેષના શેઠ પિયુષભાઈનો ફોન આવતા અજાણ્યા શખ્સોએ પિયુષભાઈને જી. જી. હોસ્પિટલ આવી દશ હજાર આપી જાવ અને તમારા માણસનો મોબાઇલ ફોન લઇ જાવ અને જો રૂપિયા નહીં આપો તો હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી બળજબરીપુર્વક પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે શૈલેષભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.